જ્યારે આપણા ઋષિમુનિઓ, મનુષ્યદેહે અવતરેલા ઈશ્વરો, સંશોધકો વિગેરેએ મેળવેલી સિદ્ધિઓ, ઉપલબ્ધિઓને દ્રષ્ટિમાં લાવીશું ત્યારે એ સમજાવાની શરૂઆત થશે કે આ મહાન વિભૂતિઓ આ સિદ્ધિઓ, આ ઉપલબ્ધિઓને કેવી રીતે પામી શક્યા હશે? એમણે પોતાના જીવનને એવું કઈ રીતે ઘડ્યું હશે કે પૃથ્વીના એક નાના ખૂણામાં રહી એમણે પૂરું બ્રહ્માંડ હાથવગું કર્યું હશે? તેઓ પણ મનુષ્ય હતા આપણે પણ મનુષ્ય છીએ. બસ આપણે આપણી અસીમ સંભાવનાઓને વિકસાવવાનું ભૂલી ગયા છીએ. આપણે વિકસવાની અને વિકસાવવાની કળા વિસરી ગયા છીએ.
***
વિકાસ સંઘર્ષમાંથી જન્મે છે અને ઉછરે છે. બીજ પોતાની જાત સાથે પણ સંઘર્ષ કરે છે અને બાહ્ય પરિબળો સાથે પણ સંઘર્ષ કરે છે. એક કોષીય નાનું નિર્જીવ બીજ એનામાં ઊર્જા પ્રવેશતા એક સમયમાં અનેક અનેક કોષોમાં રૂપાંતરિત થાય છે. આ કોષો મૂળિયાં અને થડનું સ્વરૂપ ધારણ કરે છે જે આખા વૃક્ષમાં ડાળીઓ, પાંદડા, ફળ-ફૂલ સ્વરૂપે પરિણામે છે. આ સંઘર્ષ અને પરિણમવાની પ્રક્રિયા એ જ ‘ધર્મ, છે. વૃદ્ધિ પામીને પોતાના ફળને પામવું એ જ ‘અર્થ’ છે. બીજમાંથી જન્મેલા ફળ-ફૂલનું નવા બીજરૂપે અન્ય સ્થાને નવજીવન પામવું એ જ ‘કામ’ છે. અને અંતે ધર્મ, અર્થ, કામથી નિવૃત્ત થઈ સ્વ-રૂપને માણવું એ જ ‘મોક્ષ’ છે.
શિવાલય આ કુદરતી પ્રક્રિયાને નવજીવન આપવા માંગે છે. આ પ્રક્રિયા આપણી હાથવાગી હતી. જે કળામાં આપણે પારંગત હતા, જે વિજ્ઞાન આપણને હ્રદયસ્થ હતું એને આપણે વિસરી બેઠા છીએ. મનુષ્યને, મનુષ્યત્વને ઊધઈ લાગી ગઈ છે. મનુષ્યત્વરૂપી વૃક્ષ ખોખલું થઈ ગયું છે, ખવાઇ ગયું છે. એને નવપલ્લિત કરવા, એની સર્વોચ્ચ સંભાવનાઓને ફરીથી જગાડવા, મૂળને ફરીથી પોષવું જોઈએ, મૂળને મજબૂત કરવા જોઈએ. વૃક્ષને, ડાળીઓને, પાંદડાઓને, ફળ કે ફૂલોને કેટલું પણ પોષીશું તો એ સીમિત જ પરિણામ આપશે પણ વૃક્ષની ભવ્ય જાહોજલાલી, એની સંભાવનાઓને પૂર્ણરૂપે પાછી નહીં લાવી શકાય. કાર્ય તો મૂળ પર જ કરવું પડશે. બાળકો આ જ મૂળિયાં છે જે આવતીકાલના વટવૃક્ષ છે. મૂળિયાં યોગ્ય પોષાશે તો વૃક્ષ પાસે નવપલ્લિત થઈ ભવ્ય બનવા સિવાય એમની પાસે કોઈ પર્યાય નહીં બચે.